Monday, November 26, 2018

સંધ્યા.

આથમતો સૂર્ય જોઇને કઈંક આવુ લાગે.

એ..રી.. સખી ન ચુકીશ આ નજારો,
અલકમલકની વાતો છોડ.

નિશ્ચિત આ સુરજ પેલી સંધ્યાનો પ્રેમી,
જોને એને જોઇ કેવો રાતોચોળ.

Tuesday, November 20, 2018

શુભારંભ

આ દુનિયા કેરા રંગમંચ હું કર્મચારી તરીકેની ભુમિકા બજાવું છું. ઓફિસ કહેવાતી જગ્યા જયાં મારી આંગળીઓના ટેરવાઓનો કોમ્પ્યુટરના કી-બોર્ડ તથા મારી ચક્ષુઓનો કોમ્પ્યુટરની સ્ક્રીન સાથે મેગ્નેટીક સબંધ છે. (આકર્ષણ ધરાવતા ધ્રુવોના સંદર્ભમાં ... હો..) આખો દિવસ એ ત્યાંજ ચીપકેલા હોય છે. જયાં હું મારી નીચી હાઇટને છુપાવવા ઉંચી ખુરશી લઇને બેસુ ત્યારે ટેબલ પર એક પર એક ગોઠવેલી ફાઇલો મારી એ વાસ્તવિકતાને છતી કરે અને પુન: હું ઉચી ખુરશી છતાં અદ્રશ્ય રહું. જયાં ઘડિયાળના કાંટા  સાથે એવી બંધાયેલી કે જાણે Tail of Clock. એ ફરે ને પાછળ હું. ટુંકમાં રૂટીન લાઇફ, બોરીંગ લાઇફ. આ મારી એક દુનિયાની વાત થઇ, પરંતુ મારી બીજી દુનિયા બહુ નિરાળી છે. તમે બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીનમાંથી રંગીન સ્ક્રીનમાં પ્રવેશો તદૃન એવી. So Colorful. અહિં મારી કલ્પનાની પાંખો ચડાવીને હું કોરા સ્લેટ જેવા આકાશમાં જાઉં, તારાઓ જેવા ચમકતા શબ્દોને ગુંથુ ને ત્યાં તો વાકયો અને પંક્તિઓના વાદળો બને અને એમાં જે વરસાદના જળબિંદુઓની જેમ સંતાઇ રહે એ લાગણીઓના છાંટા હોય. જે ખારા-મીઠા-કડવા, ગમતા-અણગમતા અનુભવો હોય તેને વ્યકત કરૂ. ને આ અભિવ્યક્તિના માર્ગમાં શબ્દો માધ્યમ બને. બસ,આ બીજી દુનિયામાં જે રંગો છે. તેમાંથી થોડાક હું આપની સમક્ષ વિખેરીશ. આપના પ્રતિભાવો અચુક જણાવશો.  કેમ કે ઘણીવાર પ્રતિભાવો દ્રષ્ટીકોણ વિકસાવવામાં મદદરૂપ થાય છે.  આભાર

"आफताब की कमी तो खलती है रातो में,
मगर कहीं रोशन- चिरागे-शमा  जिंदगी सम्हाल लेता है।"