વળાંક
આજ ફરી એ જ વળાંક પર આવી છું.
જાતમાં ખોવાઇ હતી પણ હવે જાતને જડી
આવી છું.
વર્ષોનું અંતર કાપ્યુ છે. ફરી આ વળાંક
પર આવવા, ફરી મારા આ બ્લોગ પર આવવા અને મેં કહ્યું એમ, જાત અને જીંદગીમાં ખોવાઇ ગઇ હતી આ વર્ષો
દરમિયાન પણ ખોવાયા પછી જડેલી જીંદગી થોડી વધારે સુંદર લાગે છે.
પણ એક વાત કહું??
સાવ ખાલી હાથે પાછી નથી આવી હો! આ વર્ષોમાં જે જે
રસ્તાઓ ઉપરથી પસાર થઇ ત્યાંથી કંઇક ને કંઇક લઇ આવી છું. થોડા નવા સપના આંખોમાં, વાટની કિનારે મળેલા ફુલોની સુગંધ અને
પતંગિયાની પાંખોના રંગ મારી વાતોમાં, આંસુઓના દરિયા ઓળંગતી વખતે જે આશા હતી મારા શ્વાસોમાં, જે ચંન્દ્ર અને તારાઓ તાકેલા રાતોમાં
અને હૃદયના સુંદર લોકો પાસેથી મળેલી આ જે હાસ્યની પોટલીઓ છે મારા હાથોમાં. આ બધાની
સાથે પાછી આવી છું.
અને બીજી એક વાત કહું??
આપણે બધા એ આ અનુભવ્યું હશે કે અધુરી રહી ગયેલી વાતો આપણને બહુ પજવતી હોય છે. અને ખાસ તો અધુરી રહી થયેલી ગમતી વાતો. અને એટલે જ જયારે હું આ બ્લોગની છેલ્લી પોસ્ટની તારીખ અને વર્ષ જોતી ત્યારે એ મને બહુ પજવતી. પણ હવે હું આ તારીખ અને વર્ષ એવા બનાવવાનો પ્રયત્ન કરીશ કે એ જોઇને મને ખુશી અનુભવાય. તો આ પજવણીને પ્રસન્નતામાં ફેરવવા અને તમને શબ્દોની મળવા હવે આવતી રહીશ હું આ વળાંક પર...
એક રસ્તા પર મળેલ થોડા ફુલ તમારી માટે, STAY HAPPY GUYS😊 |