Sunday, December 10, 2023

જીંદગીની સફર

 

        આપણે જે કાંઇ જોઇએ કે અનુભવીએ એમાંથી કેવા કેવા વિચારો ઉગી નીકળે છે??

 

        આપણે ઘણાં પ્રકારના સબંધોથી જોડાયેલા હોઇએ છે.આવો જ એક સબંધ સ્નેહનો હતો જેનાથી હું જોડાયેલી હતી. અમે કયારેય વાત નથી કરી કારણ કે એને મારી ભાષા નોહતી સમજાતી. અમે દેખાવે પણ તદૃન જુદા.પણ મેં કહ્યું એમ સ્નેહનો સબંધ હતો.

        વાત જાણે એમ છે. કે અમારા ઓફિસના પરીસરની બહાર એક બિલાડીએ બચ્ચાને જન્મ આપેલો. અને ઓફિસના કર્મચારીઓ પણ માનવ હ્રદય જ ધરાવે છે. અને એટલે લોકો એનું ધ્યાન બી રાખતાં. થોડુ મોટુ થતાં એ ત્યા બિલાડી માતા સાથે ઓફિસની સફર પર આવતું.

        બધાનું જાણીતુ અને ઘણાંને વહાલું. એમાની એક હું. એને કોઇ બીક નોહતી એટલે ઘણીવાર ફરતુ દેખાય અને મને નિર્દોષ જીવને જોવામાં બહુ રસ પડે. અને એટલે અમે કયારેય વાત નથી કરી કેમ કે એને ગુજરાતી નોહતું આવડતું પણ સ્નેહની ભાષાથી અજાણ નોહતું.

        અને આમ એકધારી ચોકકસ નિયત નમુના જેવી ઓફિસ લાઇફમાં કંઇક અણધાર્યુ નવુ થયું. અને જીવદયા પ્રેમી કમ કર્મચારીઓને એક નવું પણ ગમતું કામ મળ્યું કે સમય મળે એના ખાવા-પીવાનું ધ્યાન રાખવાનું. તો આ ચટાપટાવાળું- નાનકડું અચરજ ઓફિસના પરીસરમાં આટાં મારતું રહેતું.

        અને થોડા દિવસ પહેલાં ઓફિસ જતાં એવુ જાણવા મળ્યું કે નિર્દોષ અચરજ મૃત્યુ પામ્યું.જેને આગલાં દિવસે મેં એની માને લાડ લડાવતાં અને પજવતાં જોયુ હતું.

        ને આ નાનકડી વાર્તા અને અનુભવ પુરો થતાં (આમ તો વાર્તા અધુરી જ કહેવાય) એક વિચાર ઉગી નીકળ્યો. કે જીંદગી કોઇની પણ હોય પુરી થતાં કયાં વાર લાગે છે?? સફર અટકી જતાં કયાં વાર લાગે છે?? અને આ સવાલના જવાબમાં બસ લખાઇ ગયું.

 

ખબર નહીં શું હોતું હશે આ મરી જવું,

નીરવ નિરાકાર અજ્ઞાતમાં ભળી જવું,

ફક્ત જાણું કે જીવન કે શ્વાસો ખુટતાં પહેલા,

થોડાંક આવા સ્મરણોનું જડી જવું.


અમારા જીવનમાં એની સફર યાદગાર બનાવવાં ફોટો માટે ઠાવકા થઇને એણે આપેલો પોઝ