Tuesday, September 3, 2024

સ્થિર ઊભેલું મારું ગામ.


એક ભાગતું શહેર મારી પાછળ પડ્યું છે,
એનાથી છૂટવા મારે ઓલા સ્થિર ઉભેલા ગામે જ જવું પડશે.

સુંદર છે તારી ઉંચી ઉંચી ઇમારતો ને વાંકા ચુંકા ઝગમગ રસ્તા,
પણ શાંતિ તો મને પેલા આંગણે ઉભેલા લીંમડાની છાય તળે જ જડશે.

Thursday, May 16, 2024

હાં.. જિંદગી સફળ જ રહી..

અધુરાશ એ અકળ જ રહી,
એક આ જમણી આંખ સજળ જ રહી,
ઠેબા અને ઠોકરોનો ના કોઈ અફસોસ હવે,
મળ્યો તું તો જોને, 
જિંદગી જાણે સફળ જ રહી.
બસ તારા તરફની આ લાગણીઓ સૂરજની જેમ અચળ જ રહી.
હાં.... જિંદગી જાણે સફળ જ રહી.

Wednesday, March 13, 2024

ફરી


આજે ફરી એક તારા વિચારે મન ચકરાવે ચડ્યું,
હજી હાલ પડ્યો હતો યુદ્ધ વિરામ અને મન - મગજે ફરી રણશીંગુ ફૂંક્યું.

મન છે કે છે સાલું પારેવું ?!? ફરી ફરીને વાતે વાતે ફફડી રહ્યું,
એ બાજુ એની નજર માંથી ઓસરી રહ્યો પ્રેમ,ને આ બાજુ આ ભાંગીને ભુક્કો થઈ પડ્યું!!!

એક એની ગેરહાજરી, એક રાત, એક વાત, ફરી ભૂતકાળનું એક પાનું નડ્યું,
બધી ભાષાના શબ્દોય ન સમજાવી શક્યા કે કંઈ લાગણીએ મન કચડ્યું.

Wednesday, February 28, 2024

વિચારો

સત્યને છેડે પહોંચી જ ના શકાયું,
વિચારો આખી વાટ ખાઈ ગઈ,

સપનાંઓ આંખોના પોપચે ટકોરા દઈ પાછા વળી ગયા,
વિચારો આખી રાત ખાઈ ગઈ.

Friday, February 9, 2024

ખરતાં પાન અને ઉગતી ઉદાસી - પાનખર 🍁🥀🍂

બસ એક પાનખરની ઋતુમાં જ મને લાગે છે કે, જાણે આ માત્ર ગુમાવવાની જ ઋતુ છે. જ્યાં સઘળા તરું બધા પાન ગુમાવે છે અને બદલામાં કંઈ નથી મળતું. કેમ કે જયારે પાનખરમાં ખરેલા પર્ણો પાછા આવે છે ત્યારે તો એ વસંત બની જાય છે. 

અત્યારે આ ગુમાવવાની ઋતુમાં ફકત દેખાય છે ચોતરફ તમામ અસબાબ ગુમાવીને ઉભેલા વૃક્ષો.. બધી સુંવાળપ ગુમાવીને બસ રૂક્ષ બરછટ ત્વચા પર ઉદાસી પહેરેલા વૃક્ષો..

ને એક આશા ઉભરી આવે છે મનમાં,

" એ તરુ, આ પાનખરની પીડા તને ફળે,
 ને તારા ભાગની વસંત તને જલ્દી જડે."

            આ પાનખરનું એક ઝાડ