Friday, May 3, 2019

બોહેમિયન રેપસોડી.

              શબ્દો હંમેશા મને જાદુ લાગ્યા છે. જે આપણે અનુભવીએ છીએ તે બીજાને જણાવવાની અને તેને આપણી જેમ અનુભવવાની તક શબ્દો આપે છે. જેમ એક એક તારો આકાશને સુંદર બનાવે છે, તેવી જ રીતે અલગ અલગ શબ્દો ભેગા મળીને બનેલી રચના વાંચો ત્યારે એની સુંદરતા અનુભવી શકાય.
              બહુ ઓછા શબ્દોમાં ઘણું કહેવું એ કવિઓની કળા છે. જેમ બેફામ કહે છે કે,

              “નહીં તો એવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
                 મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે.”
           
              કેવી બે પંક્તિમાં  જીવન તો ખરૂ, મૃત્યુ બાદ પણ સજીવ રહેતાં પ્રેમની વાત કહી છે. કે જે શ્વાસ વિહોણા શરીરને પણ પોતાના પ્રિયપાત્ર તરફ દોરે છે.

             હાલમાં મે એક મુવી જોયું. એ ફિલ્મ ખરેખરમાં એક પુસ્તક જેવી છે. એક વ્યક્તિની જીવનયાત્રા જ કહોને. ફિલ્મ છે – બોહેમિયન રેપસોડી. જો આની પૂર્વભુમિકામાં કહું તો ક્વીન (QUEEN) નામક બેન્ડ અને તેના મેઇન સીંગર (મુખ્ય ગાયક) ની વાત છે. મેઇન સીંગર ફ્રેડી મરક્યુરીના જીવનના સંઘર્ષો તથા સફળતાઓને આબેહુબ વર્ણવ્યા છે આ ફિલ્મમાં. બેસ્ટ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ જીતેલ આ ફિલ્મ અત્યંત સુંદર છે. પરંતુ હું અહીં તેના એક ગીતની વાત કરવાની છું. જે ગીતના નામ પરથી ફિલ્મનું નામ રાખવામાં આવેલ છે. જો તમે સંગીતના શોખીન હોય તો ફ્રેડી મરક્યુરીના અવાજમાં આ ગીત બેનમુન લાગશે અને તેના શબ્દો ય અનોખા છે. થોડીક પંક્તિઓમાં એક આખી વાર્તા કહી જાય છે. મુખ્ય રચના મોટી છે. પરંતુ આ ફિલ્મમાં વપરાયેલ ગીત અંગેનો મારો અનુભવ અહીં રજુ કરૂં છું. આપ આપનો અભિપ્રાય અવશ્ય જણાવશો.
             મુળ અંગ્રેજી ભાષાના આ ગીતનો પ્રથમ અનુવાદ રજુ કરીશ અને ત્યારબાદ તેનો ભાવાર્થ મારા શબ્દોમાં.

---  માં, એક માણસને મારી નાખ્યો,
---- એના માથા તરફ બંદુક મુકી,
---  મારૂ ટ્રીગર દાબ્યુ, ને એ મૃત્યુ પામ્યો,
--- માં, હજી જીંદગી શરૂ જ થઇ હતી.
--- પણ હવે હું જાઉં છું, જાણે મે બધું વેડફી નાખ્યું.
--- માં, હું તને રોવડાવવા નોહતો માંગતો,
--- પરંતુ આવતીકાલે હું આ સમયે ઘરે નહીં આવું.
--- તમે ચાલુ રાખજો, જાણે આનું કાંઇ મહત્વ નથી એમ. --- મારો સમય બહું મોડો આવ્યો,
--- હવે તો માટી મારી કરોડરજ્જુ નીચે ઉતરી રહી છે. --- શરીર સતત દુ:ખી રહ્યું છે.
--- આવજો બધા, મારે જવું જ રહ્યું,
--- તમને બધાને પાછળ છોડીને સત્યનો સામનો કરવા. --- માં, હું મરવા નથી માંગતો.
--- ઇચ્છુ હું ઘણીવાર કે મારો જન્મ જ ન થયો હોત. 

              ઉપરોકત પંક્તિઓમાં મુખ્યત્વે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હત્યાનો કિસ્સો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મરનાર અને મારનાર બંન્નેના સંદર્ભમાં આ શબ્દો યથાર્થ ઠરે છે. શરૂઆતના શબ્દો મુજબ મારનાર માટે ટ્રીગર દબાવીને મારી નાખવું સાવ સરળ છે. અને મરનારે પણ કોઇ વ્યાજબી કે ભારેભરખમ કારણ વિના સરળતાથી મરણને શરણ થાય છે. કદાચ બંન્નેની જીંદગી શરૂ જ થઇ હશે. મરનારે શ્વાસ ગુમાવ્યો સાથે એનું બધુ જ વેડફાઇ ગયું અને એક જોતા મારનારે પણ એની જીંદગી વેડફી જ નાખી.

              માં, હું તને રોવડાવવા નથી માંગતો પરંતુ અહીં કઇ માં ન રોવે? એકએ પોતાનો દિકરો ગુમાવ્યો અને બીજીએ પણ પોતાના સંસ્કારોથી ઉછેરેલો દિકરો ગુમાવ્યો જ હોય, એની જાત એને એમ જ કહેતો હોય કે  “આ તારો દિકરો ન જ હોઇ શકે.” આગળ એમ કહે છે કે, હું આવતીકાલે આ સમયે ઘરે પાછો નહીં આવું. તમે એમ જીવ્યે રાખજો જાણે કાંઇ બન્યુ જ નથી એમ. પરંતુ તમે શું માનો છો? આ ઘટના પછી કયા પરીવારના જીવનો યથાવત્ રહી શકે? મરનારનો પરીવાર દરેક પ્રસંગો, પરીસ્થિતીઓ અને તસવીરોમાં પોતાનો દિકરો શોધશે. અને બીજો પરીવાર પોતાનો સાચો દિકરો કયાં ખોવાયો? એની શોધમાં હશે.

                મરનાર કહે છે કે; મારો સમય બહું મોડો આવ્યો અને હવે દફન કર્યાની સાથે માટી મારા શરીરમાં ઉતરી રહી છે. શરીર દુ:ખી રહ્યું છે. બીજી તરફ મારનારનો પસ્તાવો એની રગોમાં હશે જે માટી કરતાંય હજારો ગણી વધુ ભારે હશે. પોતાની જાણ પ્રત્યે નરફત થઇ રહી હશે. સ્વ સાથેની લડાઇ એના તમામ અસ્તિત્વને દુ:ખોથી ભરી રહી હશે.
હવેની પંક્તિઓ મુજબ, મારે જવું જ પડશે. તમને બધા પાછળ મુકીને સત્યનો સામનો કરવા. મૃત્યુ થી શાશ્વત સત્ય બીજું કયું હોય? જે મરનારે જાણ્યું. જયારે મારનાર પોતાના સત્યને શોધી રહ્યો હશે. જેમાં પોતાની જાત તમને દોષી ઠરાવી દે એ દ્વન્દ્વ  જીતવો અત્યંત મુશ્કેલ હોય છે. કેમ કે ત્યાં ખોટી દલીલોને સ્થાન નથી હોતુ.

                    અંતમાં કહે છે કે, હું મરવા નથી માંગતો મરનારની આ ઇચ્છા ફળે એટલો એ નસીબદાર નથી. બીજી તરફ મારનાર પણ એક જોતાં મરી જ પરવાર્યો ગણાય. એના અસ્તિત્વનો એક ભાગ જે કયારેય જીવંત નહીં થાય એ ચીત્કાર કરતો હશે કે, “હું મરવા નથી માંગતો.” છેલ્લી પંક્તિમાં કહે છે, હું જન્મ્યો જ ન હોત મરનાર કારણ કે મરનાર એક અધુરપ લઇને મર્યો અને મારનાર અધુરપ લઇને જીવશે.       
   

No comments:

Post a Comment