Tuesday, January 27, 2026

કહાની


એણે જ્યાં પુર્ણવિરામ મૂક્યું,
તું કાં કહાની લખતી રહે ❓

મગજ તો ક્યાં અટકવું જાણે સખી,
આ લાગણીઓ કાયમ બકતી રહે.




Tuesday, December 16, 2025

આશ

તારા આવવાની આશ, બની હવે દ્રઢ વિશ્વાસ,

અને ના આવે તો ય શું ❓ તું તો છે જ, સાવ હ્રદય ની પાસ.

Friday, May 2, 2025

ફક્ત ગુજરાતી

"ફક્ત ગુજરાતી" એ જપન રાવલ અને દેવ ભાવસારે શરૂ કરેલી એક અનોખી પહેલ છે, જેનું મુખ્ય ઉદ્દેશ ગુજરાતી ભાષાના કાવ્ય અને સાહિત્ય ક્ષેત્રે કાર્યરત પ્રતિભાશાળી અને નવા ઉભરાતા કલાકારો અને લેખકોને એકમંચ પ્રદાન કરવાનું છે. 

અને પરિણામ સ્વરૂપ એક પુસ્તક ની રચના કરવામાં આવી. જેમાં લેખકોએ લખેલા, વિચારેલા અને રચેલા કાવ્યો, ગઝલો અને લેખો નું સંકલન કરીને બન્યું પુસ્તક "ફક્ત ગુજરાતી". જે ગુજરાતના સ્થાપના દિવસે પ્રકાશિત થયું છે.

આ પુસ્તકમાં એક કવિતા મારી પણ છે. જે આ પહેલા આ બ્લોગ માં પોસ્ટ પણ કરેલી છે. THE WAY OF LIFE. પણ ક્યાંક પ્રકાશિત થઈ હોય એવી પહેલી કવિતા છે.

તો જો મારી કવિતા અને બીજા લેખકો ની રચનાઓ વાંચવી હોય તો આ પુસ્તક ખરીદો. જે એમેઝોન પર ઉપલબ્ધ છે. અને નીચેની લિંક પરથી ઓર્ડર કરી શકશો.




Tuesday, September 3, 2024

સ્થિર ઊભેલું મારું ગામ.


એક ભાગતું શહેર મારી પાછળ પડ્યું છે,
એનાથી છૂટવા મારે ઓલા સ્થિર ઉભેલા ગામે જ જવું પડશે.

સુંદર છે તારી ઉંચી ઉંચી ઇમારતો ને વાંકા ચુંકા ઝગમગ રસ્તા,
પણ શાંતિ તો મને પેલા આંગણે ઉભેલા લીંમડાની છાય તળે જ જડશે.

Thursday, May 16, 2024

હાં.. જિંદગી સફળ જ રહી..

અધુરાશ એ અકળ જ રહી,
એક આ જમણી આંખ સજળ જ રહી,
ઠેબા અને ઠોકરોનો ના કોઈ અફસોસ હવે,
મળ્યો તું તો જોને, 
જિંદગી જાણે સફળ જ રહી.
બસ તારા તરફની આ લાગણીઓ સૂરજની જેમ અચળ જ રહી.
હાં.... જિંદગી જાણે સફળ જ રહી.

Wednesday, March 13, 2024

ફરી


આજે ફરી એક તારા વિચારે મન ચકરાવે ચડ્યું,
હજી હાલ પડ્યો હતો યુદ્ધ વિરામ અને મન - મગજે ફરી રણશીંગુ ફૂંક્યું.

મન છે કે છે સાલું પારેવું ?!? ફરી ફરીને વાતે વાતે ફફડી રહ્યું,
એ બાજુ એની નજર માંથી ઓસરી રહ્યો પ્રેમ,ને આ બાજુ આ ભાંગીને ભુક્કો થઈ પડ્યું!!!

એક એની ગેરહાજરી, એક રાત, એક વાત, ફરી ભૂતકાળનું એક પાનું નડ્યું,
બધી ભાષાના શબ્દોય ન સમજાવી શક્યા કે કંઈ લાગણીએ મન કચડ્યું.

Wednesday, February 28, 2024

વિચારો

સત્યને છેડે પહોંચી જ ના શકાયું,
વિચારો આખી વાટ ખાઈ ગઈ,

સપનાંઓ આંખોના પોપચે ટકોરા દઈ પાછા વળી ગયા,
વિચારો આખી રાત ખાઈ ગઈ.