મારું ગુરુ મારું મીચુ
બીજી ઘણી કળાઓની જેમ જ Slow living ની કળા હવે લુપ્ત થવાને આરે છે. માણસમાંથી ધીરા થવાની કળા હવે ભુસાતી જાય છે, ભુલાતી જાય છે. ચોતરફ માત્ર અધીરા માણસો છે, અધીરાઇથી ભરેલા માણસો.
બધાને શિખરો સર કરવા છે. શિખરની ટોચ પર ચડીને પોતાના નામની તકતીઓ જડવી છે પણ એ ટોચ પર પહોંચ્યા પછી પણ વિરામને સ્થાન નથી. સામે એનાથી મોટુ બીજુ શિખર રાહ જોઇને બેઠુ છે. એક અધીરા જીવની.
હવે તો રાતોમાં પણ શહેરો જાગતા હોય છે, ભાગતા હોય છે. નવરાશને હવે કયાંય અવકાશ નથી. કોઇ હવે કુમળી સવારે ચા ની ધીમી ચુસ્કીઓ સાથે ગઝલો સાંભળીને સાથે નથી ગણગણતું. ખૂબ લાંબા રસ્તે વરસાદમાં પલળતા-ચાલતાં ઓગળીને કોઇ એ વરસાદનું પાણી બનીને નથી વહી જતું. ધીરે ધીરે ચાલતાં ચાલતાં વાટની વસંતના મઘમઘતાં ફુલો પર ભ્રમર બની કોઇની નજર નથી ભટકાતી. હવે તો આપણે ચાલીએ પણ છે ૧૦૦૦૦ સ્ટેપ પુરા કરવા માટે. જાણે માનવજાત જીંદગીના સફરમાં અટકવાનું અને વિરમવાનું ભૂલી ગઇ છે.
આપણી સંસ્કૃતિમાં શરીરને પંચમહાભૂતથી બનેલુ માનવામાં આવે છે. અને આ પાંચમાંથી એક પણ તત્વ સાથે આપણો નાતો બચ્યો નથી. ના માટલાંનું પાણી, ના કુદરતી હવા, ના ચોખ્ખું અને સાત્વિક અન્ન, ના કદી વરસાદ અંગને ભીંજે, ના કદી પગના આંગળા વચ્ચે માટી ભરાય, ના ફુલોના રંગ જોઇને કોઇ ઘડી અટકે - ના એની મહેક કોઇ મનમાં ભરે. બીજી વાત કે જ્ઞાનને આપણી દેશી ભાષામાં કોઠાસૂઝ કહે છે. કોઠો એટલે શરીર અને સૂઝ એટલે સમજણ. આપણી, આપણા શરીર, આપણા અસ્તિત્વ વિશેની સમજ. હવે આ કોઠાસૂઝ આપણામાં કેટલી છે એ તો આપણે જાણીએ જ છે.
ઘાટ ઘડયા પછી નામરૂપ ઝુઝવા,
અંતે તો હેમનું હેમ હોય.
એ વાત સાચી કે માનવજાતના અસ્તિસ્વના મુળમાં પ્રેમ, કરૂણા જેવા તત્વો છે. જે માનવ હ્રદયનું હાર્દ છે. પરંતુ એ વાત પણ માનવી રહી કે ઘાટ અને નામ છતાં પણ ભિન્ન છે. અર્થાત માણસ મધ્યસ્થ રીતે જેટલો એક છે. એટલો જ જુદો પણ છે. એની ભિન્નતા પણ અવગણી શકાય નહી. પણ માણસે ધીમે ધીમે પોતાની અલગતા પણ ગુમાવી દીધી. માત્ર સમય જતાં સમાજ બની ગયો. અને સમાજ એની રૂઢીઓનો આદી છે. એના ચોકઠાઓનો આદી છે. સમાજ પાસે સારાના- નરસાના, સફળતાના- અસફળતાના, જીવનના- મરણના, અરે જીવવાના- મરવાના પણ ચોકઠા છે. અને એ ચોકઠાઓ પણ કયાંકને કયાંક માણસને ભગાવે છે. સમાજે એક સુરેખ જીવન ઘડવા રેખાઓ બનાવી. બચપનની સમયરેખા, ત્યાંથી આગળ વધે એટલે જવાનીની સમયરેખા, પ્રેમની સમયરેખા, લગનની સમયરેખા, બાળકોની સમયરેખા, બાળકોના જીવનથી બચપનથી સમયરેખાનું ફરી પુનરાવર્તન. આમ જોવોતો ઘડપણમાં ચહેરા પર ઉપસી આવતી કરચલીની રેખાઓ અને કફનની કરચલીની રેખાઓ સુધી પહોચતાં પહેલા એક માણસે કેટકેટલીય રેખાઓ પસાર કરવાની હોય છે. જે કુદરત કરતાં સમાજે વધારે ઘડેલી છે. અને આ રેખાઓને પસાર કરવાં પણ માણસ ભાગતો રહે છે.
અને આ આપણી સતત ભાગવાની આદતને લીધે જ આપણે કુદરતથી દૂર થઇ ગયા છે. પણ આપણી સાથે શ્વસતા બીજા જીવો હજી આ આદતથી દૂર છે. સાત પેઢીની ચિંતા વિના હરવુ - ફરવુ - ચરવુ - રમવુ – વિરમવુ હજી એમને યાદ છે.
પણ આ વાત શરૂ કરવાનું કારણ મારી બિલાડી છે. Michu-san. એનીમે (Anime) જોઇ જોઇને આ જાપાનીઝ માનવાચક Michu ના નામમાં ઉમેરાઇ ગયું અને એ બની ગયું Michu-san.
તો વાત એમ છે કે અમોને મળેલી મુદૃતી નવરાશ – મતલબ કે શનિવાર – રવિવારની રજામાં જયારે હું ઘરે ગઇ ત્યારે Michu-san જોડે ઘરની પાછળ ખુલ્લી જગામાં બેઠી હતી. સવાર સવારનો સમય. હજી જાગ્યા જ હતા અમે અને ઘેન આંખોમાં ઘોળાયેલું હતું. Michu-san પણ ત્યાં જ મારી સામે બેઠું હતું.
પણ જયારે મારી નજર એની તરફ પડી ત્યારે એ સુરજમુખી બનીને બેઠું હતું !!!! વાત જાણે એમ છે કે સવારનો કુમળો કુમળો તડકો હતો. ઓકટોબર માસનું છેલ્લું અઠવાડીયું અને ગામડાનો વિસ્તાર એટલે સવારમાં ઠંડક પણ લાગે. એમાં જેમ સુરજમુખી સૂર્ય સામે મુખ કરે એમ Michu-san બંધ આંખે, માથું થોડુ ઉંચુ કરી સવારના તડકાનો આનંદ લેતું હતું.
અને આ દૃશ્ય જોઇને મને થઇ આવ્યું કે Michu-san ઘણી બધી બાબતોમાં મારાથી ઉસ્તાદ છે. Michu is expert in the innate skill of sunbathing. એના ચહેરા પર સંતોષ અને સુકુનની આભા હતી. વિટામીન-D નો કોટા પુરો કરવો એવું કંઇ જ્ઞાન એને કોઇએ નોહતું આપ્યું. પણ એનો કુદરત સાથેનો નાતો હજી અકબંધ હતો. પ્રાણીઓ જોડે એ શીખવાનું હોય છે કે તેઓ પોતાના જીવનકાળ દરમિયાન મોટાભાગે વર્તમાનમાં હોય છે. તો ગુરુ દત્તાત્રેયના ગુરુ શ્વાનની જેમ Michu-san બી એ દિવસે મારૂ ગુરુ બન્યુ.
પ્રાણીઓ અને બાળકો આપણને પરાણે ખેંચીને વર્તમાનમાં લઇ આવે છે. ભાગતી દુનિયામાં પરાણે થોડુ થોભી એમની સાથે જીંદગીનો આનંદ માણવા મજબુર કરે છે, જયારે પણ આપણે એમની સાથે હોઇએ છે. Slow-living ની કળા શીખવાનો પ્રયત્ન કરૂ છું. હું પણ આંખ બંધ કરીને બે ઘડી સુર્યમુખી બની જાઉં છું. હવેથી હું પણ એ sunbathing ની Skill ને વિકસાવવાનો પ્રયત્ન કરૂં છું. હકીકતમાં મર્યાદિત શ્વાસો સામે અમર્યાદિત ઇચ્છાઓ કાયમ જીતી જાય છે. અને અંતે હારી જાય છે માણસ. માણસ એનું જીવન હારવાનો જ છે. એ જ એની નિયતી છે. અને આ અમર્યાદિત ઇચ્છાઓ માટે ભાગવું જરૂરી છે અને ભાગવું બી જોઇએ. પણ આ દુનિયાના રચનારએ આ દુનિયા અને આપણને રચવામાં ઘણી મહેનત કરી છે. આપણે જુદા છીએ, કોઇ ફેકટરી પ્રોડકટ નહી. નહીતર આવા સુંદર રૂપ-રંગ-સ્વભાવથી જુદા કરવા રચનાકારએ આટલી જહેમત ના કરી હોત. તો ભાગવુ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે અટકવું. આ સુંદર સૃષ્ટીને બે ઘડી, નજરભર જોવા માટે અટકવું. આ નયનરમ્ય જગત અને જાતને નિહળવા અટકવું. અને આ દુનિયા ઘણું આપે છે હર ક્ષણ. આપણે થોભીને જરીવાર જીલીએ તો આનંદ પણ આપણા જીવનમાં સહજ રીતે પ્રવેશી શકે છે. જીવન જીવવા માટે અને માણવા માટે પણ છે એ આપણે યાદ રાખવું જોઇએ. અને Michu-san એ મને સમજાવ્યું કે જીવનનો આનંદ આવી સાવ નજીવી બાબતમાં પણ છુપાયેલો છે. અને Michu-san ને લીધે એ દિવસે સમજાઈ મને THE INNATE SKILL OF SUNBATHING.
No comments:
Post a Comment