ચોમાસુ શરૂ થઇ ગયું છે. આમ તો ધરતીની સુંદરતા વસંતમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ મારા ખ્યાલ મુજબ વર્ષાએ વસંતની પ્રતિસ્પર્ધી છે. કોની સુંદરતા ચઢિયાતી એ કહેવું મુશ્કેલ છે. વર્ષા ઋતુ કદાચ મેઘ અને ધરાની એનીવર્સરી હશે. પરદેશથી પરત થયેલ મેઘ જયારે અવનીને જોઇને લાગણીવશ થઇ આખમાંથી મોતી સારે, ને ત્યારે હાલ લગી પ્રોષિતભર્તુકા (જેનો પતિ પરદેશ ગયો છે તે સ્ત્રી- મુળ સંસ્કૃત શબ્દ) બારણાની બારસાખે અઢેલીને ઉભેલી ધરા એ આંસુ જોઇ એ લાગણીને અનુભવે, એ પ્રેમને અનુભવે, રોમે રોમ નવપલ્લવિત થાય. શ્યામલ ધરા હરીયાળી વાઘા ધારણ કરે અને ધરતી અને ગગનનું વગર ક્ષિતિજે મિલન થાય એ એક આલ્હાદક નજારો હોય છે.
પણ આજે અહિં હું વાત એ વિશે કરીશ કે આ વરસાદ કયાંકનો કુબેર છે કે કેમ? અને આ પ્રશ્ન મને કેમ થયો તેના કારણો તમે નીચે જાણશો. તમે કહેજો કે એ તમને પણ ધનપતિ લાગે છે કે નહિં.
“ ખરેખર હો,
આ પર્જન્યએ ય કયાંકનો કુબેર હશે,
જો ને જયારે આવે ત્યારે પર્ણો પર મોતી વેરે,
દીધા એણે તો,
આજકાલ ફેશન પરસ્ત ખાબોચિયા અરીસા પહેરીને ફરે,
જો ને જે સામે મળે એનું પ્રતિબિંબ ધરે.”