Sunday, December 10, 2023

જીંદગીની સફર

 

        આપણે જે કાંઇ જોઇએ કે અનુભવીએ એમાંથી કેવા કેવા વિચારો ઉગી નીકળે છે??

 

        આપણે ઘણાં પ્રકારના સબંધોથી જોડાયેલા હોઇએ છે.આવો જ એક સબંધ સ્નેહનો હતો જેનાથી હું જોડાયેલી હતી. અમે કયારેય વાત નથી કરી કારણ કે એને મારી ભાષા નોહતી સમજાતી. અમે દેખાવે પણ તદૃન જુદા.પણ મેં કહ્યું એમ સ્નેહનો સબંધ હતો.

        વાત જાણે એમ છે. કે અમારા ઓફિસના પરીસરની બહાર એક બિલાડીએ બચ્ચાને જન્મ આપેલો. અને ઓફિસના કર્મચારીઓ પણ માનવ હ્રદય જ ધરાવે છે. અને એટલે લોકો એનું ધ્યાન બી રાખતાં. થોડુ મોટુ થતાં એ ત્યા બિલાડી માતા સાથે ઓફિસની સફર પર આવતું.

        બધાનું જાણીતુ અને ઘણાંને વહાલું. એમાની એક હું. એને કોઇ બીક નોહતી એટલે ઘણીવાર ફરતુ દેખાય અને મને નિર્દોષ જીવને જોવામાં બહુ રસ પડે. અને એટલે અમે કયારેય વાત નથી કરી કેમ કે એને ગુજરાતી નોહતું આવડતું પણ સ્નેહની ભાષાથી અજાણ નોહતું.

        અને આમ એકધારી ચોકકસ નિયત નમુના જેવી ઓફિસ લાઇફમાં કંઇક અણધાર્યુ નવુ થયું. અને જીવદયા પ્રેમી કમ કર્મચારીઓને એક નવું પણ ગમતું કામ મળ્યું કે સમય મળે એના ખાવા-પીવાનું ધ્યાન રાખવાનું. તો આ ચટાપટાવાળું- નાનકડું અચરજ ઓફિસના પરીસરમાં આટાં મારતું રહેતું.

        અને થોડા દિવસ પહેલાં ઓફિસ જતાં એવુ જાણવા મળ્યું કે નિર્દોષ અચરજ મૃત્યુ પામ્યું.જેને આગલાં દિવસે મેં એની માને લાડ લડાવતાં અને પજવતાં જોયુ હતું.

        ને આ નાનકડી વાર્તા અને અનુભવ પુરો થતાં (આમ તો વાર્તા અધુરી જ કહેવાય) એક વિચાર ઉગી નીકળ્યો. કે જીંદગી કોઇની પણ હોય પુરી થતાં કયાં વાર લાગે છે?? સફર અટકી જતાં કયાં વાર લાગે છે?? અને આ સવાલના જવાબમાં બસ લખાઇ ગયું.

 

ખબર નહીં શું હોતું હશે આ મરી જવું,

નીરવ નિરાકાર અજ્ઞાતમાં ભળી જવું,

ફક્ત જાણું કે જીવન કે શ્વાસો ખુટતાં પહેલા,

થોડાંક આવા સ્મરણોનું જડી જવું.


અમારા જીવનમાં એની સફર યાદગાર બનાવવાં ફોટો માટે ઠાવકા થઇને એણે આપેલો પોઝ 

 

  

Wednesday, November 15, 2023

 

SOMETIMES EXISTENCE FEELS LIKE THIS

 

છેડા જેવું કંઇ નહિ ને જીંદગી લાગે ગુંચળુ સેવ,

એમાંય દુ:ખો વાગોળ્યા કરે, આ મનને તરફડવાની ટેવ.

 


        વિચારૂં છું કે કદાચ જીંદગી તો મીઠી જ હશે પણ આ વાગોળવાની આદતને લીધે જ ફિક્કી બની જતી હશે.🤔🤔🤔

        પણ તમનેે તમારી જીંદગીમાંં કોઇ છેડો મળી જાય તો કહેજો જરા. 💜💜💜💜

 

Friday, October 13, 2023

સ્મિત અને સપના

જિંદગી હાથ માં ચાબુક લઈ આખો દી મને ભગાવે,
ને પછી થાકેલી સાંજે તારું સ્મિત જોવાનું મન થાય.

તારો ચહેરો આવી બેસે પાંપણે ચુપકીદી થી અંધારી રાતે,
કે આંખો મીંચી ને સપના જોવાનું મન થાય. 💕
              💜💜💖💜💜💕

Thursday, September 28, 2023

વળાંક


આજ ફરી એ જ વળાંક પર આવી છું.

જાતમાં ખોવાઇ હતી પણ હવે જાતને જડી આવી છું.

 

                વર્ષોનું અંતર કાપ્યુ છે. ફરી આ વળાંક પર આવવા, ફરી મારા આ બ્લોગ પર આવવા અને મેં કહ્યું એમ, જાત અને જીંદગીમાં ખોવાઇ ગઇ હતી આ વર્ષો દરમિયાન પણ ખોવાયા પછી જડેલી જીંદગી થોડી વધારે સુંદર લાગે છે.

            પણ એક વાત કહું??

            સાવ ખાલી હાથે પાછી નથી આવી હો! આ વર્ષોમાં જે જે રસ્તાઓ ઉપરથી પસાર થઇ ત્યાંથી કંઇક ને કંઇક લઇ આવી છું. થોડા નવા સપના આંખોમાં, વાટની કિનારે મળેલા ફુલોની સુગંધ અને પતંગિયાની પાંખોના રંગ મારી વાતોમાં, આંસુઓના દરિયા ઓળંગતી વખતે જે આશા હતી મારા શ્વાસોમાં, જે ચંન્દ્ર અને તારાઓ તાકેલા રાતોમાં અને હૃદયના સુંદર લોકો પાસેથી મળેલી આ જે હાસ્યની પોટલીઓ છે મારા હાથોમાં. આ બધાની સાથે પાછી આવી છું.

            અને બીજી એક વાત કહું?? 

          આપણે બધા એ આ અનુભવ્યું હશે કે અધુરી રહી ગયેલી વાતો આપણને બહુ પજવતી હોય છે. અને ખાસ તો અધુરી રહી થયેલી ગમતી વાતો. અને એટલે જ જયારે હું આ બ્લોગની છેલ્લી પોસ્ટની તારીખ અને વર્ષ જોતી ત્યારે એ મને બહુ પજવતી. પણ હવે હું આ તારીખ અને વર્ષ એવા બનાવવાનો પ્રયત્ન કરીશ કે એ જોઇને મને ખુશી અનુભવાય. તો આ પજવણીને પ્રસન્નતામાં ફેરવવા અને તમને શબ્દોની મળવા હવે આવતી રહીશ હું આ વળાંક પર... 

એક રસ્તા પર મળેલ થોડા ફુલ તમારી માટે, STAY HAPPY GUYS😊